www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
Gujarat CM inaugurates Sandipani Vidya Sankul inspired by Pu. Bhaishri Rameshbhai Oza at Saputara

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના દૂર-દરાજ અંતરિયાળ આદિજાતિ વિસ્તારો સહિત વંચિતોના શિક્ષણ આરોગ્યના સેવા ધ્યેય સાથે કાર્યરત સામાજીક સેવા સંસ્થાઓને રાજ્ય સરકાર પ્રોત્સાહિત કરશે તેવી નેમ દર્શાવી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવની ૧૬મી કડીના બીજા દિવસે આદિજાતિ વિસ્તાર ડાંગ-આહવાના સાપૂતારાના ગામોમાં બાળકોનું શાળા નામાંકન કરાવ્યું હતું.

તેમણે આ સાથે પૂજ્ય રમેશભાઇ ઓઝા પ્રેરિત સાંદીપનિ વિદ્યાસંકુલના નવનિર્મિત ભવનનો લોકાર્પણ મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેનની ઉપસ્થિતીમાં કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ ટૂંકા સમયગાળામાં અત્યાધુનિક શાળા સંકુલનું નિર્માણ કરીને તેને પ્રજાર્પણ કરવાની દ્રઢ ઇચ્છાશકિત સાથે, મંદિરો નહીં પરંતુ શાળાઓની સમાજને વધુ જરૂર છે તેવી ભાવના કેળવનારા ભાઇ શ્રી રમેશભાઇ ઓઝાની ઉચ્ચત્તમ કાર્યશૈલીને બિરદાવી હતી.

તેમણે તત્કાલિન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના આહ્વાનને કારણે આજે ટ્રસ્ટના અથાગ પ્રયાસોને લીધે, અશકય કાર્યને શકય બનાવીને દાખલારૂપ કામગીરી કરવામાં આવી છે અને અભાવ વચ્ચે રહેતા લોકો માટે દાતાઓનો સહયોગ કેળવવાની શ્રી રમેશભાઇ ઓઝાની ભાવનાની પણ સરાહના કરી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે રાજ્ય સરકાર સૌના સાથ અને સૌના સહયોગથી વંચિત વિસ્તારોમાં અનેક નવા આયામો શરૂ થાય તે માટે પ્રતિબધ્ધ છે. તાજેતરના ધો-૧૦/૧રના પરિણામોમાં ડાંગ જિલ્લામાં ધોરણ-૧૦/૧રના શ્રેષ્ઠ પરિણામે, બુધ્ધિ અને ચાતુર્ય એ કોઇની જાગિરી નથી તે ડાંગના આદિવાસી વિદ્યાર્થીઓએ સાબિત કરી બતાવ્યું છે તેમ આદિજાતિ વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું.

ગિરિમથક સાપુતારા ખાતે સાંદિપની વિદ્યા સંકુલના નવનિર્મિત સંકુલના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી નવાગંતુક બાળકોને શાળા પ્રવેશ કરાવીને, તેમને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કર્યું હતું. શાળા પ્રવેશોત્સવને કારણે આદિવાસી ક્ષેત્રમાં પણ શિક્ષણની ભૂખ ઉઘડી છે તેમ જણાવી શ્રી રૂપાણીએ શાળા પ્રવેશોત્સવની સફળગાથા વર્ણવી હતી.

એક સમયે મૃત:પાય અવસ્થામાં સપડાયેલી શૈક્ષણિક સંસ્થાઓના નવસર્જન કરવાના ભાગરૂપે શિક્ષણ પ્રત્યે સમર્પિત સામાજિક સંસ્થાઓને સોંપવાના તત્કાલિન નિર્ણયનો ખ્યાલ આપતા, મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે શ્રી ભારત સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ-પોરબંદર અને તેના કર્મઠ કાર્યકરોના સમર્પણભાવને બિરદાવ્યો હતો.

સાંદિપનિ વિદ્યા સંકુલના લોકાર્પણ સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેલા રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલે ગુજરાતમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવને કારણે આજે સર્વત્ર લોકજાગૃતિ જોવા મળી રહી છે તેમ શ્રીમતી પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

ભારતને વિશ્વગુરૂ બનાવવાના સર્જાયેલા સાનુકૂળ સંજોગોનો ઉલ્લેખ કરીને શ્રીમતી આનંદીબહેન પટેલે આપણી ઉચ્ચત્તમ પરંપરા, જ્ઞાનને સમાજનો દરેક વ્યકિત તેની સ્વયં જવાબદારી સમજીને સહયોગી બને તો ભારત બહુ જ ઝડપથી વિશ્વગુરૂ બનવાનું સ્વપ્ન સાકાર કરશે તેમ જણાવ્યું હતું.

વિશ્વ કલ્યાણ અર્થે જ્ઞાન ખૂબ જ આવશ્યક છે તેમ જણાવતા વૃંદાવનના પ.પૂ. કાર્ષ્ણિ ગુરૂશરણાનંદજી મહારાજે ભારતવર્ષમાં હજારો વર્ષોથી જ્ઞાન અને જ્ઞાનિજનોનું પૂજન અને ગૌરવ થઇ રહ્યું છે તેમ સહર્ષ જણાવ્યું હતું. જ્ઞાનયજ્ઞમાં આહુતિ આપનારા દાતાશ્રીઓની ઉદાર ભાવનાને બિરદાવી, આ દેવકાર્ય માટે સહયોગી પ્રગટ, અપ્રગટ દાતાઓને પણ મહારાજશ્રીએ આશીર્વચન પાઠવ્યા હતા.

ગુણવત્તાલક્ષી શિક્ષણના લક્ષ સાથે આગામી દિવસોમાં સાંદિપનિ વિદ્યા સંકુલ ખાતે અનેકવિધ નવા આયામો પ્રજાર્પણ કરવાની નેમ વ્યકત કરતા શ્રી ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ-પોરબંદરના પૂ.ભાઇ શ્રી રમેશભાઇ ઓઝાએ, દાતાઓ દ્વારા અપાયેલા દાનને મનુષ્ય જીવનના પ્રત્યેક શ્વાસને સાર્થક કરવાની સાધના ગણાવી હતી.

કથાના માધ્યમથી પ્રજાજનોને શિક્ષિત કરવાનું યજ્ઞકાર્ય કરનારા શ્રી ભાઇશ્રીએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે દાતાઓની કયારેય કમી નથી રહી તેમ જણાવતા, સાંદિપનિ વિદ્યાલય-સાપુતારા ખાતે આદિવાસી બાળકો, પ્રતિભાઓને ખીલવવાનું પૂણ્યકાર્ય થઇ રહ્યું છે તેમ જણાવ્યું હતું.

ગિરિમથક સાપુતારા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દેશ-વિદેશના દાતાઓ સહિત ડાંગ કલેકટર શ્રી બી.કે.કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા, સૂરતના રેન્જ આઇ.જી. શ્રી જી.એસ.મલિક, ડાંગના પોલીસ અધિક્ષક શ્રી અશોક મુનિયા, ભારત પર્યટન વિભાગના ડીરેકટર શ્રી કરસનભાઇ પટેલ, ડાંગના માજી ધારાસભ્ય, સાપુતારા હોટલ એસોસિએશનના પ્રમુખ શ્રી ઉપેન્દ્ર પટેલ અને સેક્રેટરી શ્રી તુકારામ કરડીલે, સહિત સાપુતારા નોટીફાઇડ એરીયાના ચીફ ઓફિસર શ્રી બી.એમ.ભાભોર, શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area NetworkVibrant GujaratGujarat Tourism : External website that opens in a new windowhttp://india.gov.in, The National Portal of Indiahttps://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia